રાજયમાં કોરોનાને લઇ સરકારે વધુ નિયંત્રણો લગાવ્યા છે.રાત્રી કર્ફયુંમા રાજયના નવ શહેરોનો વધારો કરવામા આવ્યો છે. હવેથી રાજયના 29 શહેરમાં રાત્રી આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.આ તમામ નિયંત્રણો 28 એપ્રિલથી 5 મે સુધી અમલી રહેશે. સિનેમા હોલ, ઓડિટોરીયમ અને રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.
અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
- રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
- આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
- તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
- સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
- સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
- સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
- આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
- અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
ગુજરાતમાં કોરોનાનો કહેર
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત નવી ઊંચાઇ વટાવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ ૧૪,૩૪૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૨૭-સુરતમાં ૨૫ સાથે ૧૫૮ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંક ૫ લાખને પાર થઇને હવે ૫,૧૦,૩૭૩ થયો છે જ્યારે કુલ મરણાંક ૬૪૮૬ છે. આ પૈકી ૨,૦૨,૬૭૫ કેસ માત્ર એપ્રિલના ૨૬ દિવસમાં નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ૧,૨૧,૪૬૧ એક્ટિવ કેસ છે જ્યારે ૪૧૨ દર્દી વેન્ટિલેટર પર છે.