ગુજરાતમા કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. તેની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુજરાતમાં સતત દિવસે ને દિવસે કેસોમાં વધારો થતો જાય છે. ત્યારે આજ રોજ 25 એપ્રિલ, 2021 રવિવારના ફરી કોરોનાના નવા કેસનો આંક 14 હજાર 200 ને પાર થઇ ગયો છે. રાજ્યમાં શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ વધારે વકરતી જઇ રહી છે. એવામાં આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા કેસનો આંક 14,296 આવ્યો છે જ્યારે 6,727 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 157 એ પહોંચી છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 75.54 થયો છે. તો રાજ્યમાં કુલ 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.
તમને જણાવી દઇએ કે, હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંક 1,15,006 થયો છે તો વેન્ટિલેટર પર 406 લોકો છે, જ્યારે 1,14,600 હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુઆંક 6,328 એ પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓક્સિજનની તંગી પ્રવર્તી રહી હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આરોગ્ય કમિશનરે સરકારી અને ખાનગી હોસ્પિટલોને મહત્વનો આદેશ કર્યો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ તમામ હોસ્પિટલોને દર્દીઓને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવા સૂચનાઓ આપી છે.