અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ કહેર વરતાવી રહ્યો છે. જો કે નવ દિવસ બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોની સંખ્યા પહેલીવાર 14 હજારની નીચે જતી રહી છે. તેની સાથે જ કોરોનાનો દૈનિક મૃત્યુઆંક પણ એકંદરે સ્થિર રહ્યો છે.
ગુજરાતમાં આજે 1લી મે, 2021ના રોજ 13847 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 5,81,624 લાખ થઇ ગઇ છે. ગુજરાતમાં છેલ્લે 22 એપ્રિલ, 2021નારોજ પહેલીવાર 13 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાયા હતા અને ત્યારબાદ સતત દૈનિક નવા કોરોના કેસનો આંકડો 14 હજારથી વધારે રહ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 172 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 7355 પહોંચી ગયો છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 10582 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 4,29,130 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 73.78 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 142139 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 637 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.