ગુજરાતમાં સતત ઘટતા જતા કોરોનાના કેસો વચ્ચે રાત્રિ કરફ્યુના સમયમાં પણ ઘટાડો કરાયો છે. તો વેપારીઓને પણ બપોરના 3 વાગ્યા સુધી છૂટછાટ અપાઇ છે. એવામાં રાજ્યમાં મંગળવારેના રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1561 કેસ નોંધાયા છે તો નવા 22 દર્દીઓનાં આજે મોત નિપજ્યાં છે. તદુપરાંત 4869 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. ત્યારે આજ રોજ રાજ્યમાં સાજા થવાનો દર 95.21 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,71,860 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9855 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 1 લાખ 96 હજાર 793 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 29 હજાર 015 એક્ટિવ કેસો, 472 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 28 હજાર 543 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9855 એ પહોંચી છે.
કોરોના મહામારી વચ્ચે MIS-C (મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ) કેસમાં ચિંતા વધી છે, કોરોના નેગેટિવ આવ્યા બાદ બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે MIS-Cથી 2 બાળકોના મોત થતાં વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. હજુ સોલા સિવિલમાં 3 અને સિવિલ હોસ્પિટલમાં એક બાળક સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, કોરોના વાઈરસની પહેલી લહેરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં MIS-C નો શિકાર બનેલા 15 બાળકોમાંથી ત્રણ બાળકોના મોત થયા હતાં.