ગુજરાત સરકારે 2022 સુધીમાં તેની ક્લીન વીજળી (રિન્યુએબલ એનર્જી)નું ઉત્પાદન 30,000 મેગાવોટ થવાની ધારણા રાખી છે પરંતુ ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યમાં 20,000 મેગાવોટની વીજળી વાપરીને 10,000 મેગાવોટની વીજળી બીજા રાજ્યોને વેચી દેવામાં આવશે.
અત્યારે રાજ્યમાં પવન ઉર્જા થકી 6880 મેગાવોટ અને સોલાર ક્ષેત્રે 2654 મેગાવોટની વીજળી પેદા થાય છે. રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 32748 મેગાવોટની છે જેની સામે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 9669 મેગાવોટ છે.
મહત્વની બાબત એવી છે કે ગુજરાત રૂફટોપ સિસ્ટમ લગાવનારૂં ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 53500 આવાસોમાં રૂફટોપ સિસ્ટમથી 198 મેગાવોટની ક્ષમતા પેદા થાય છે. રાજ્ય સરકારે 2022 સુધીમાં 8 લાખ આવાસોમાં રૂફટોપ સિસ્ટમ લગાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ સિસ્ટમ થકી રૂફટોપમાં 2400 મેગાવોટની વીજળી પેદા કરાશે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ધોલેરા એસઆઇઆરમાં 9800 હેક્ટર જમીનમાં 5000 મેગાવોટ અલ્ટ્રા મેગાવોટ સોલાર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારે રાજ્યના 33 લાખ જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગોમાં સોલાર ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે કે જેથી વીજળીમાં તેઓ આત્મનિર્ભર બની વધારાની વીજળી યુનિટ દીઠ 1.75 રૂપિયાના ભાવે ગ્રીડમાં આપી શકશે.