ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 987 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,71,040 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1083 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,54,078 લાખે પહોંચી ગઇ છે.
ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણથી વધુ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 1, સુરત શહેરમાં 2 અને ગાંધીનગરમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3708 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી 1899 અને સુરતમાં 847 લોકોના મોત થયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 13,254 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 61 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 59,50,616 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,15,264 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,15,048ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 216 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.