ભારતમાં આતંકવાદ ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ આતંકીઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ડુંગર ઉપર આવેલ વિખ્યાત શ્રી ચામુંડા માતાજીના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્ર કરનાર રામોડિયા બંધુ વસીમ અને નઈમને 10-10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં ISISના આતંકવાદીઓને સજા થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.
સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે આજથી છ વર્ષ અગાઉ રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ અને નઈમ ભાવનગરથી ઝડપાયા હતા, જેઓ ISISની તાલીમ લેવા બન્ને ભાઈઓ સિરિયા જવાના હતા જોકે તેઓ સિરિયા જાય તે પહેલા જ ગુજરાત ATSએ બન્ને ભાઈઓને પુરાવા સાથે ઝડપી લીધા હતા અને થયેલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, બંનેએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ઉડાવી દેવા ‘લોન વુલ્ફ એટેક’ નામના ખતરનાક પ્લાન બનાવ્યો હતો પણ તેઓનો આ પ્લાન સફળ થાય તે પહેલાંજ તેઓ ઝડપાઇ ગયા હતા અને સ્પેશિયલ NIA કોર્ટે તેઓને 10-10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.