ચાર મહિનાના વિરામ બાદ વતન ગયેલા શ્રમિકો ગુજરાતમાં નોકરી-ધંધા માટે પાછા આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યમાં આવતા તમામ શ્રમિકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જરૂર પડ્યે કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે.
સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઉદ્યોગ-વ્યવસાય ફરીથી ખૂલ્યાં છે. વતનમા નોકરી નહીં મળતાં ગુજરાતમાંથી ગયેલા શ્રમિકો હવે પાછા આવી રહ્યાં છે. દેશમાં લોકડાઉન શરૂ થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 12 લાખથી વધારે શ્રમિકો તેમના વતન જતા રહ્યાં હતા પરંતુ તેમના વતનના સ્થળે નોકરી-ધંધાની સુવિધા ઉભી નહીં થતાં હવે તેઓ પાછા આવી રહ્યાં છે.
રાજ્યના મહાનગરો જેવાં કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત તેમજ અન્ય નાના-મોટા વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતાં અથવા તો નોકરી કરતાં શ્રમિકોએ જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર કે પાલિકા વિસ્તારમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. સ્થાનિક સંસ્થાઓએ ગુજરાત બહારના શ્રમિકો તેમજ તેમના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરાવવાનું પણ નક્કી કર્યું છે.
બીજી તરફ ઉદ્યોગોમાં નોકરી માટે આવતા શ્રમિકોએ શ્રમ આયુક્તની કચેરીમાં નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકારે તમામ મ્યુનિસિપલ કમિશનરોને એક જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે જેમાં તમામ ઉદ્યોગમાં આવતા બીજા પ્રાંતના શ્રમિકોએ નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજીયાત નોંધણી કરાવવી પડશે. આ શ્રમિકોનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવશે.
કોન્ટ્રાક્ટ લેબર નિયમ 1970 પ્રમાણે 1972ની વિવિધ જોગવાઇ હેઠળ બીજા રાજ્યમાંથી આવેલા તમામ શ્રમિકોને નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ્યાત નોંધણી કરાવવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરી નોધણી નહીં કરાવશે તેની સામે એપેડેમિક એક્ટ ડીસીઝ હેઠળ પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં સૌથી વધુ પરપ્રાંતના શ્રમિકો સુરત અને અમદાવાદ આવી રહ્યાં છે.