ગાંધીનગરઃ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાતીઓ માટે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. 1લી મેથી ભારત ભરમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. એ માટે રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના વેક્સિનને લઇ રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 11 રાજ્યો દ્વારા વેક્સિન મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં આગામી 1લી મેથી દેશભરમાં 18થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થવાનું છે તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 6000 જેટલાં સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.
અત્યાર સુધીમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિનના ડોઝ અપાયા
અત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
28 એપ્રિલથી રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
તારીખ 28 એપ્રિલથી 18થી 45 વર્ષની વયના લોકો રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર કરાવી શકશે અને તેના આધાર ઉપર તેઓએ રસીકરણ કરાવવાનું રહેશે.
તેમણે જણાવ્યું કે, ‘કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે તે જ રીતે હવે આગામી 1 મેથી 18થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.’
આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, સચિવો સંજીવ કુમાર હારીત અને શુક્લા ધનંજય દ્વિવેદી તેમજ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યાં હતાં.