આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઇ રહેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર ભાજપના કાર્યકરો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. શનિવારે પણ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર ભાજપ દ્વારા ફરી એકવાર કાયરતા ભર્યા હુમલા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આજ સુધી ભાજપના આ જવાબદાર ઈસમો સામે કોઈ કડક પગલાં લેવાયા નથી. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, ભરૂચ, જૂનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી સુરતમાં વર્ષોથી લોકોના પ્રશ્નો ઉઠાવતી રહી છે અને જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી છે ત્યારથી તે જનહિત માટે સતત કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોએ સુરતમાં રાત-દિવસ જનતાની સેવા કરી છે અને લોકોની દરેક સમસ્યાના ઉકેલ માટે બનતા પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત જ્યાં જ્યાં સત્તાધારી ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવો પડ્યો છે ત્યાં હંમેશા આમ આદમી પાર્ટી એ લોકશાહી ઢબે વિરોધ પણ કર્યો છે.
આમ આદમી પાર્ટીની આ સક્રિયતાને કારણે ભાજપ સરકારના નાકમાં દમ થઇ ગયો હતો. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં ભાજપના સત્તાધારી, આમ આદમી પાર્ટીથી સૌથી વધુ પરેશાન થઈ રહ્યા હતા. અને આ જ કારણસર આમ આદમી પાર્ટીના નગર સેવકો અને કાર્યકરો પર ભાજપના ગુંડાઓ દ્વારા દરરોજ હુમલા કરવામાં આવે છે. આ પછી દરેક વખતે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવે છે પરંતુ આજ સુધી ભાજપ ના ગુંડાઓ સામે કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. આજ સુધી આમ આદમી પાર્ટીના લોકો પર હુમલો કરનાર ભાજપના કોઈ ગુંડાની ધરપકડ કરવામાં આવી નથી.
વારંવાર થતા હુમલાઓ સામે કોઈ પગલાં લેવાયા નથી તે ખૂબ જ નિંદનીય છે અને એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમે કહેવા માંગીએ છીએ કે જો આવા હુમલાઓ સતત ચાલુ રહેશે તો સમગ્ર ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જશે. પરંતુ આવું ન થાય તે માટે વહીવટી તંત્રે પગલાં ભરવાની જરૂર છે અને સમગ્ર રાજ્યમાં કડક કાયદા અને વ્યવસ્થા લાગુ કરવાની જરૂર છે.
આમ આદમી પાર્ટીની પોલીસ પ્રશાસનને અપીલ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર થયેલા હુમલાના ગુનેગારોને વહેલી તકે પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે ભવિષ્યમાં આવું ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા બનાવવી જોઈએ.