ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ફરી એક વાર લોકડાઉન લાગુ થવાના સંકેત મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા જીમ અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ‘શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદના તમામ જીમ બંધ રહેશે. નવા આદેશ સુધી તમામ જીમ બંધ રહેશે.’ નોંધનીય છે કે, ગત રોજ ગુરૂવારના દિવસે સરકારે જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી. જેથી જીમ સંચાલકો પણ સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થયા હતાં. સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ નિયમોના પાલન સાથે જીમ ખોલવાની પરવાનગી અપાઇ હતી. પરંતુ આજે ફરી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આગામી આદેશ સુધી અમદાવાદના તમામ જીમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, રેગ્યુલર જીમમાં જતા લોકોનું કહેવું એમ હતું કે, ‘કોરોનામાં હેલ્થ સારી રાખવા માટે જીમ તો જરૂરી છે. જેથી સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે.’ જીમ સંચાલકોનું પણ એમ કહેવું હતું કે, ‘તેમણે એક કલાકની બેચ રાખેલી છે, એક કલાકના ગેપ સાથે તેનાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને જે લોકોને શ્વાસની બીમારી છે અને કેટલાંક બીપીના દર્દીઓ પણ જીમમાં આવતા હોય છે જેમના માટે ફેસ શીલ્ડ પહેરવું ફરજીયાત છે.’ પરંતુ આખરે ફરીથી કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં જીમ બંધ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ગઇ કાલે જીમ ખોલાવ્યાં તો આજે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જીમ બંધ કરાવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત રોજ ગુરૂવારના રોજ નવા 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. એમાંય સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવા 2410 કેસની સામે 2015 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 એ પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે એવામાં તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટીમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત થયા છે જેથી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યાં છે. જેને લઈને માતા-પિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.