ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ચાલુ કરવા સામે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને જો સ્કૂલો ચાલુ થશે તો મોટાપાયે બાળકો અને શિક્ષકો માં કોરોના નું સંક્રમણ ફેલાવા અંગે નો ગંભીર મત વ્યક્ત કરતા વાલીઓ અને શાળા સંચાલકો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ છે. તેઓ એ કહ્યું કે બાળકો ઉપર ખતરો છે જાનનું જોખમ રહેશે એટલે જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર માર્ગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશ ના આંધ્રપ્રદેશમાં શાળાઓ ચાલુ થયા બાદ પાંચ જ દિવસમાં ૬૦૦ વિદ્યાર્થી, ૮૩૦ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા અને અન્ય રાજ્યોમાં પણ આવા બનાવ બન્યા છે. એટલું જ નહિ પરંતુ જો બાળક કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલમાં માતાને સાથે રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે, આ સંજોગોમાં માતાને પણ કોરોનાનો ખતરો રહેલો છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે કે, જો દિવાળી પછી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાય તો બાળકો સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે, કારણ કે બાળકો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતની બાબતો પર ધ્યાન ન આપી શકે તે વાત સ્પષ્ટ છે. બીજી મોટી વાત એ કે મોટા વ્યક્તિ ને કોરોનાનો ચેપ લાગે ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે એકલા જ રાખવામાં આવે છે પરંતુ બાળકને જો કોરોના થાય તો માતા કે વાલી એ પણ સાથે રહેવું પડે તેમ હોય ખતરો વધી શકે છે. આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત થવાના બનાવો બન્યા છે તે સ્થિતિ ને ધ્યાને લઇ આ બાબતે પુનઃ વિચાર કરવા પોતાનો મત પ્રગટ કરતા હવે સરકાર આ બાબતે શુ નિર્ણય કરે છે તે અને વાલીઓ પોતાના બાળક ને સ્કૂલે મોકલશે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે.
