ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ઓછો થઇ રહ્યો છે. જેમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવતા વાયરસનું સંક્રમણ રોકવામાં મદદ મળી રહી છે. ગુજરાતના દૈનિક કોરોના કેસોની વાત કરીયે તો સોમવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં 778 કેસ નોંધાયા છે જે છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા કેસ છે. તો સોમવારે કોરોના સંક્રમિત 11 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તદુપરાંત 2613 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 96.80 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,90,906 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9,944 નોંધાયો છે. રાજ્યમાં આજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ 2 લાખ 51 હજાર 192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 16 હજાર 162 એક્ટિવ કેસો, 363 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 15 હજાર 799 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 9,944 એ પહોંચી છે.



