ગુજરાત કેડરના બે ઓફિસરોને વર્લ્ડ બેન્કમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે અને હવે ત્રીજા ઓફિસર વર્લ્ડ બેન્કમાં જશે, જ્યારે હાલ ફરજ બજાવતા ગુજરાત કેડરના મહિલા આઇએએસ અધિકારી ભારત પાછા ફરી રહ્યાં છે ત્યારે તેમને કેન્દ્રમાં મહત્વનું પદ મળે તેવી સંભાવના છે.
ગુજરાત કેડરના આઇએએસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એસ અપર્ણાને ભારત સરકારે ત્રણ વર્ષ પહેલાં વર્લ્ડ બેન્કમાં ફરજયુક્ત કર્યા હતા અને હવે તેમનો ટેન્યોર સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે તેમને નવી દિલ્હીમાં ફાયનાન્સ અથવા તો કોઇ મહત્વના વિભાગમાં નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે અમેરિકાથી પાછા ફર્યા બાદ તેમની નિયુક્તિ ગુજરાત સરકારમાં થશે નહીં પરંતુ તેમને ડેપ્યુટેશન પર નવી દિલ્હીમાં લઇ જવામાં આવશે. આ મહિલા ઓફિસર નોન-કરપ્ટ હોવાની છાપ ધરાવે છે. તેઓ સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂક્યાં છે. છેલ્લે તેમની નિયુક્તિ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રટેરી તરીકે કરવામાં આવી હતી.
વર્લ્ડ બેન્કમાં ગુજરાત કેડરના જે ઓફિસર જઇ રહ્યાં છે તે અતનુ ચક્રવર્તી છેલ્લે ફાયનાન્સ મંત્રાલયના ઇકોનોમિક અફેર્સ વિભાગમાં સેક્રેટરી તરીકે રહી ચૂક્યાં છે. એ પહેલાં તેઓ ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટમાં સેક્રેટરી હતા. હાલ તેઓ ભારત સરકારના મહત્વના વિભાગમાં નિયુક્ત થયેલા છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ રાજીવ ટોપનોની વોશિંગ્ટનનાં વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજીવ ટોપનો 1996 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આ પદ પર તેમની નિમણૂંકની મુદત ત્રણ વર્ષની રહેશે. રાજીવ ટોપનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સહાયક તરીકે પમ કામ કર્યું છે.
તેઓ છેલ્લે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી રહ્યાં હતા. રાજીવ ટોપનો 2009માં નાયબ સચિવ તરીકે PMOમાં જોડાયા હતા. આ તે સમય હતો જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે બીજો કાર્યકાળ શરૂ કર્યો હતો. રાજીવ ટોપનોએ યુપીએ-2 સરકારમાં પીએમઓમાં ટેલિકોમ અને બંદરો જેવા મુખ્ય વિભાગો સંભાળ્યા હતા.