ગુજરાતમાં ભાજપ અને આમ આદમી વચ્ચે મુખ્ય ટક્કર છે ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાની જગ્યા બનાવવા કામે લાગ્યું છે અને ગુજરાતના કોંગીજનોમાં ઉત્સાહ જગાવવા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 5મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહયા છે તેઓ અમદાવાદ આવશે અને ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે.
રાહુલ ગાંધી ગુજરાતના 52 હજાર બુથના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. તેની સાથોસાથ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણી લક્ષી ચર્ચાઓ પણ કરનાર છે.
જે રીતે કાર્યક્રમ ગોઠવાયો છે તે મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે આવશે ત્યાંથી તેઓ બપોરે 12-45 કલાકે રિવરફ્રન્ટ જશે આ રૂટમાં ત્રણ જગ્યાએ યુથ કોંગ્રેસ, NSUI દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે. રિવરફ્રન્ટ પરનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણી લક્ષી ચર્ચા તથા માર્ગદર્શન આપીને સાંજે જ દિલ્હી જવા રવાના થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ તરફથી 15મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. 30થી 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.