ગુજરાત માં આવી રહેલી પેટા ચૂંટણીઓ ને લઈ રાજ્કીય માહોલ ગરમાયો છે ત્યારે ત્રણ બેઠકો ઉપર ઉમેદવારી મુદ્દે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી તેવે સમયે કચ્છ જીલ્લાની અબડાસા બેઠક પણ મહત્વની ગણાય છે અહીં પણ ભાજપ-કોગ્રેસ પક્ષ તરફથી કોઈ ઉમેદવાર ના નામ ની જાહેરાત થઈ નથી, આ બેઠક આમતો છેલ્લી 3 ટર્મથી કોગ્રેસ નો ગઢ ગણાય છે. પાછલા વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો 2012માં છબીલ પટેલ, 2014માં શકિતસિંહ ગોહીલ, 2017માં પ્રદ્યુમનસિંહ ની કોંગ્રેસ માંથી જીત થઈ છે.જોકે એક વાર જીતેલો ઉમેદવાર ફરી ઉભો રહેવાની હિંમત કરતો નથી કારણ કે તે હારી જ જાય તે વાત સો ટકા સાચી પડે છે.
જોકે, આઠ વિધાનસભ્યો પૈકી એક અબડાસાની બેઠક પર 2017માં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપ માં જોડાઈ ગયા છે ત્યારે અહી આ વખત નો જંગ રસાકસી ભર્યો બની રહેશે, કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકી અબડાસા સૌથી મોટો મતવિસ્તાર ધરાવે છે. મુસ્લિમ બહુમતીધરાવતા અબડાસા મતવિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદારોના પણ નિર્ણાયક મત છે. અબડાસા મતવિસ્તારમાં એક વાર જીતીને બીજી વાર ઊભો રહેનાર ઉમેદવાર હારી જાય છે તેવો ઇતિહાસ અહીં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. કચ્છ બીજેપીના અધ્યક્ષ રહી ચૂકેલા સ્વ.જયંતી ભાનુશાલી હોય કે રાજયસરકારમાં મંત્રી રહી ચૂકેલા તારાચંદ છેડા હોય. નરેન્દ્રસિંહ જાડેજા, હોય કે કૉગ્રેસના નેતા મહેશ ઠક્કર. અબડાસામાં જીતીને બીજી વાર હારી ગયા ના દાખલા સામે છે.
લખપત, અબડાસા અને નખત્રાણાનાં ગામોને આવરી લેતા અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ 376 મતદાન મથક છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મતદારોની સંખ્યા જ્યાં 1000 કરતાં વધારે છે ત્યાં પેટા-મતદાન મથકો ઊભાં કરવાનાં હોવાથી હવે કુલ 441 મતદાન મથકો પર મતદાન થશે. આમ ફરી એકવાર અબડાસા બેઠક કોને ફળશે તેતો સમય જ બતાવશે.
