કોરોના ની મહામારી અને એમાંય 8 મી એ અપાયેલા ગુજરાત બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અગાઉ અમદાવાદ,વડોદરા સુરત અને રાજકોટમાં 21 નવેમ્બરથી ચારેય મહાનગરોમાં લગાવાયેલ રાત્રિ કર્ફ્યુની મુદત આજે પૂર્ણ થઈ ગયા બાદ કર્ફ્યુની મુદત લંબાવવા અંગે રાજ્ય સરકાર કોઇ નિર્ણય લીધો નથી પરંતુ રાજ્યના DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો ને જણાવ્યું કે નવી સૂચના ન આવે ત્યાં ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના DGP આશિષ ભાટીએ જણાવ્યું હતું કે, ભારત બંધને લઇ આવતીકાલે તા.8 મી એ રાજ્યભરમાં કલમ 144 અમલ માં રહેશે. ભારત બંધના પગલે રાજ્યમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. આ માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દેવામાં આવી છે. ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધ દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ બળજબરી પૂર્વક બંધ કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં તમામ રસ્તાઓ ચાલુ રહે તે માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યની બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાશે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી પણ કરાશે. SRP નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
