આગામી 3 નવેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારો મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતીઅને ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે મળેલી ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક માં ઉમેદવારની ત્રણ નામોની પેનલ નક્કી કરી હાઈ કમાન્ડને મોકલવા નિર્ણય કરાયો હતો.જોકે, પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુઓની ટિકિટ નક્કી છે. જેમાં મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કપરાડા બેઠક પર જીતુ ચૌધરી તથા કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ આપવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બાકીની ત્રણ બેઠકો પર ભાજપ ઉમેદવારોની પેનલ બનાવીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે. જોકે, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ ગુજરાતની આઠ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત થશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતા આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાની વાત બહાર આવી છે. આમ 8 બેઠકો પૈકી પાંચ બેઠક માટે નામો ફાયનલ છે બાકીના 3 માટે નામો બહાર આવવાની રાહ જોવાઇ રહી છે.
