ગુજરાત ભાજપ નું નવું માળખું તૈયાર થવા જઈ રહયુ છે અને પાટીલ ની નવી ટીમ તૈયાર થવા જઈ રહી છે અને સાથેજ નવા માળખાના નામોની બ્લૂ પ્રિન્ટ લઈને પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી હાઇકમાન્ડ પાસે પહોંચી ગયા છે અને દિલ્હી માં વેરીફાઈ થયા બાદ પાટીલની નવી ટીમ જાહેર થનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
અને ભાજપ માં હવે થી નવો ચીલો ચાતરવામાં આવશે જેમાં ‘એક નેતા એક હોદ્દા’નો નિયમ અમલમાં આવશે. તેની સાથે સાથે નવા સંગઠનમાંથી ધારાસભ્યો અને સાંસદોને પણ બાકાત રાખવામાં આવે તેવીપુરી શક્યતા હોવાનું મનાય છે કેમકે મોટા ભાગના MP અને MLA એકથી વધુ હોદ્દા ધરાવે છે.
હાઈકમાન્ડને વર્તમાન સરકાર અને સંગઠનની સ્થિતિનો ચિતાર આપશે
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પાટીલ હાલ દિલ્હીમાં હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા ગયા છે. આ દરમિયાન તેઓ ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે હાઈકમાન્ડ સાથે સીધી ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. જેમાં વર્તમાન સરકાર અને સંગઠનની સ્થિતિનો ચિતાર હાઈકમાન્ડને આપશે.
સાંસદ પાટીલ કેન્દ્રની હાઉસિંગ કમિટીમાં ચેરમેન હોવાથી દિલ્હી માં હાઉસિંગ કમિટીની બેઠકમાં હાજરી આપશે. પાટીલ દિલ્હી પ્રવાસ દરમિયાન PM મોદી સાથે મુલાકાત કરીને ગુજરાત ની સ્થિતિ જણાવશે જેના આધારે સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર સંગઠનમાં હાલમાં ઘણા ધારાસભ્યો અને સાંસદ એકથી વધારે હોદ્દા ધરાવે છે. જેથી સંગઠનમાં જે ફેરફાર થવાના છે તેમાં એક નેતાને કોઇપણ એક જ હોદ્દો આપવા પર ભાર આપશે, એટલે કે જે પણ ધારાસભ્યો અને સાંસદો સંગઠનના હોદ્દા પર હશે તો તેને હટાવવામાં આવશે અને નવા સંગઠનમાં કોઈ ધારાસભ્ય કે સાંસદને સ્થાન આપવામાં નહિ આવે તેવી વાત ચર્ચાઈ રહી છે, આમ નવા પ્રદેશ પ્રમુખ પાટીલે હવે સપાટો બોલાવવાનું ચાલુ કરતા ગુજરાત ભાજપ માં સોપો પડી ગયો છે.
