ગુજરાત માં કોરોના નો ત્રીજો તબકકો શરૂ થતાં હાલ માં જ 23 મી શરૂ થનારી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે બીજા એક નિર્ણય માં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9, 10, 11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે.
શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9, 10 11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 ટકા જેટલું કરવામાં આવ્યું છે. જે અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન ઓપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર, પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતો તેમજ ધોરણ-9 અને 11ના વિષયોના સુધારેલ અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે.
જ્યારે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્રો શાખાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. પરીક્ષા પદ્ધતિમાં કરેલ ફેરફાર કોવિડ-19ની પરિસ્થિતિને કારણે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે જ અમલમાં રહેશે તેમ સબંધિત સૂત્રો એ જણાવ્યું છે.
કોરોના એ આખી સીસ્ટમ ખોરવી નાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ માં તણાવ માંથી બહાર આવી શકે.
