રાજયમાં કસ્ટોડિયલ ડેથ મામલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા 2 વર્ષમાં 157 કસ્ટોડિયલ ડેથ થયા છે. જે બદલ 31 પોલીસ કર્મચારી અને 7 ઓબ્ઝર્વેશન હોમના કર્મચારી મળીને કુલ 38 જવાબદારો સામે પગલા ભરાયાં છે.
વિગતો મુજબ વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 મળીને કુલ 157 કસ્ટોડિયલ ડેથ થયા છે. કસ્ટોડિયલ ડેથ બદલ સરકાર દ્વારા PI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઇ., હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓ સામે પગલા ભર્યાં છે. પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્ડથી લઇને ઇન્ક્રીમેન્ટ અટકાવવા સુધીના પગલા ભરવામાં આવ્યા છે. જયારે ઓબ્ઝર્વેશન હોમના કર્મચારીઓ સામે ગુનાઓ દાખલ કરાયો છે. ગૃહ વિભાગે જણાવ્યું હતું કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં પીડિતના વારસદારને વળતર પણ ચુકવવાયું હોવાનું સરકારે જણાવ્યું હતું.
