દેશ ના ઉત્તર વિસ્તાર માંથી આવતા બર્ફિલા ઠંડા પવનો ની અસર હેઠળ ગુજરાત માં તીવ્ર ઠંડી નું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી વધુ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીએ રહ્યું હતું.
હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ ની આગાહી કરતા તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.
ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડયો છે અને ૮ ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે.રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧.૫ ડિગ્રી પહોંચી જતા જનજીવન ઉપર અસર પડી છે.
