રાજ્ય માં કોરોના નું સંક્રમણ વધવાના ભયે નવરાત્રિ પર્વ દરમિયાન માતાજી ના દર્શન કરવા જ્યાં મોટી સંખ્યા માં ભાવિકો દર્શનાર્થે આવે છે તેવા પ્રખ્યાત માતાજીનાં મંદિરો બંધ રહેશે. રાજ્ય માં પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી માતાજી નું મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. ઋષિ વિશ્વામિત્રના સમયનું મહાકાળી માતાનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે.
નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાવાની શક્યતા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટૂંક સમયમાં જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. તાજેતરમાં જ પાવાગઢ ખાતે 1 લાખ લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. તો બીજી બાજુ કચ્છ સ્થિત માતાના મઢ સ્થિત શ્રી માં આશાપુરા મંદિર નવરાત્રિની સાતમ સુધી બંધ રહેશે. જો કે બહુચરાજી, ખોડલધામ, ચોટીલાનું ચામુંડા માતા મંદિર ખુલ્લાં રહેશે. અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન ખુલ્લું રહેશે. સવારે 8થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 7થી રાત્રે 9 સુધી મંદિર ખુલ્લું રહેશે.
જે મંદિર ખુલ્લા રહેશે ત્યાં કોરોના ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને 10 વર્ષથી નાની વયના બાળકો અને 65 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટીઝનને દર્શન માટે નહીં આવવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેવી જ રીતે બહુચરાજી મંદિર, ખોડલ ધામ, ઊંઝા સ્થિત ઉમિયા માતા મંદિર, ભાવનગરનું ખોડિયાર મંદિર નવરાત્રિમાં ખુલ્લું રહેશે. જો કે ગોંડલના ભુવનેશ્વરી મંદિરમાં પ્રાચીન ગરબી સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. આમ કોરોના સંક્રમણ ફેલાય નહિ તે માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે અને નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા ઉત્સવો સહિત પ્રોફેશનલ આયોજનો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
