ગુજરાત માં પણ ફોરેન જેવો જ બીચ આવેલો છે અને દ્વારકા પાસેના શિવરાજપુર બીચને દુનિયાના બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ આ સ્થળ ને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે અને આ સ્થળ ને વધુ સુંદર બનાવવા અને બીચને જમીન માર્ગની સાથે ક્રૂઝ દ્વારા દરિયાઈ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરિઝમની ટીમે તાજેતરમાં જ મુલાકાત લીધી હતી. જ્યાં સર્વે કર્યા બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાના નવીનીકરણ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા શિવરાજપુર બીચ પર જતા રસ્તાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના રોડ 14 મીટર પહોળા કરી પ્રવાસીઓને આવવા-જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે. તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
