ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ઘાતક બનતા લોકો ના જીવ સામે જોખમ ઉભું થયું છે તેવા સમયે જ સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય કરતા લોકો માં રોષ ફેલાઈ જતા અને મીડિયા માં ટીકા ચાલુ થતા આખરે સરકારે 23 મી નવેમ્બરે સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.
રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી.
જો કે ગુરુવારે સાંજે કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ સરકારને સોસિયલ મીડિયા માં વાલીઓ ના વિરોધ ને લઈ અહેસાસ થયો હતો કે હાલની સ્થિતિમાં સ્કૂલો ખોલવી એ બાળકો માટે જીવ નું જોખમ ઉભું કરશે. બીજી તરફ રાજ્યના વિવિધ વાલી મંડળોએ પણ 23મીએ શાળા બંધનુ એલાન આપી સરકારના નિર્ણય સામે લડતના મંડાણ કર્યા હતાં આથી આખરે સરકારને પોતાના નિર્ણયમાં પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આમ હવે કોરોના ની સ્થિતિ થાળે પડ્યા બાદ જ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવનાર છે કારણ કે નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
