રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ,વડોદરા થી દક્ષિણ અને ઉત્તર માં અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ના અહેવાલો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જસદણ, આટકોટ, ભાવનગર, જામનગરમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડી ગયો છે. 9 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જાંબુધોડા અને માંડવીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડી અને ગણદેવીમા 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના ડેડિયાપાડામાં 5 ઈંચથી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રાજકોટના આજી-1 ડેમના જળ સ્તરમાં વધારો થયો છે. આજી-1 ડેમની સપાટી 26 ફૂટ પર પહોંચી ગઈ છે. આજી-1 ડેમ ઓવરફ્લો થવામાં હવે 3 ફૂટ બાકી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના આજી-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે.
ભાવનગરમાં દોઢ ઈંચ અને સિહોરમાં એક ઈંચ વરસાદ પડ્યા ના અહેવાલો છે.રાજકોટનો ન્યારી-1 ડેમ ફરી ઓવરફ્લો થતા ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરયા હતા. ગિરનાર જંગલમાં ભારે વરસાદથી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેને કારણે તળેટીમાં આવેલા દામોદર કુંડ માં નવા નીર આવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઉંઝા પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉંઝા શહેરમાં અંડર બ્રિજ પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર ને અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને આગાહી ને પગલે વલસાડનું વહિવટી તંત્ર સજ્જ બની ગયું છે. અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાયા છે, ત્યારે વલસાડમાં NDRFની બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
છોટા ઉદેપુર જીલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘો મહેરબાન થયો છે અને સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
વહેલી સવારથી જ છોટા ઉદેપુર જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને નદીનાળા છલકાઈ ગયા છે. ત્યારે જીલ્લાની સૌથી મોટી નદી ઓરસંગમાં આજે બીજી વખત ધસમસતા પાણી આવ્યા છે. એક દિવસ પહેલા પણ ઓરસંગમાં પાણી આવી ગયા હતા અને જોજવા આડબંધ ઓવરફ્લો થયો હતો, ત્યારે ફરીથી આજે સવારે પડેલા ભારે વરસાદને પગલે ઓરસંગમાં ફરીથી પાણી આવતા જોજવા આડબંધ ૩ દિવસમાં બીજી વખત ઓવરફ્લો થયો હતો. આમ સમગ્ર રાજ્ય માં મેઘ મહેર યથાવત રહેવા પામી છે જેથી પશુપાલકો અને ખેડૂતો માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.
