ગુજરાત યુનિવર્સિટી માં સલમા કુરેશી સંસ્કૃત સાથે પીએચ.ડી થનારી પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થીની બની છે સલમા એ પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ આ વિષય પર પોતાનો અભ્યાસ સંસ્કૃતમાં પૂર્ણ કરવા બદલ યુનિવર્સિટી તરફથી પીએચડીનું નોટીફિકેશન અપાયું હતું. યુનિવર્સિટી માં “1964થી સંસ્કૃત વિભાગ ચાલે છે. જેમાં સલમા કુરેશી સિવાય કોઈ મુસ્લિમ આજ સુધી આ વિષયમાં પીએચ.ડી માટે એડમિશન લીધું ન હતું , સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને મુસ્લિમ વિદ્યાર્થિનીએ આ અભ્યાસ કર્યો છે જે ગૌરવની વાત છે. તે સંસ્કૃત સારું બોલે પણ છે.”
સલમા કુરેશીએ જણાવ્યું કે, “મને ગીતા, પુરાણો, ધર્મ ગ્રંથો વાંચવાનો પહેલાથી જ શોખ હતો જેથી સ્કૂલથી જ મેં આ વિષયમાં પીએચ.ડી થવાનું નક્કી કરી લીધું હતું. આ ઉપરાંત વેદો અને પુરાણોની અંદર સૂચવેલી શિક્ષણ પદ્ધતિ વધારે ગમતી હતી એટલા માટે વિષય પણ એ જ પસંદ કર્યો. હું ભવિષ્યમાં સંસ્કૃતમાં પ્રોફેસર બનવા માંગુ છું જે માટે સંસ્કૃત બોલવાની પ્રેક્ટિસ પહેલાથી જ કરતી હતી. ભવિષ્યમાં બીજા લોકોને સંસ્કૃત ભાષાની પ્રેરણા આપી શકું તે માટે હજુ પણ વધુ પ્રેક્ટિસ કરવા માંગું છું.”
ગુજરાતમાં યુનિવર્સિટીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે સંસ્કૃતમાં પીએચ.ડી કરી રહ્યા છે. છેલ્લા 56 વર્ષથી આ વિભાગ ચાલે છે અત્યાર સુધી 200થી વધુ વિદ્યાર્થીઓ જ તેમાં પીએચ.ડી થયા છે. ગુજરાતની 10 જેટલી યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં પીએચ.ડી થાય છે.
સલમા કુરેશીએ ભાવનગર યુનિવર્સિટીથી કોલેજ કરી છે જેમાં માસ્ટરમાં સંસ્કૃત વિષય સાથે તે યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂકી છે. તેની કઝીન બહેન ફરીદા કુરેશી પણ તેને જોઈ ગાંધીનગરની કોલેજમાં જ સંસ્કૃત વિષય સાથે પીએચ.ડી કરી રહી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
