અમદાવાદ માં સ્કૂલ સંચાલકો ફફડી ઉઠ્યા છે જયારે DPS- ઇસ્ટ મુદ્દે ગુજરાત શિક્ષણ વિભાગે સ્કૂલની માન્યતા રદ કરી નાખી કડક સંદેશ આપ્યો છે તેમજ અમાન્ય વર્ગો ચલાવવા બદલ 50 લાખનો દંડ પણ કર્યો છે. હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલ સંચાલકોને સાંભળીને તેમના દસ્તાવેજોની ચકાસણી કરીને પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવતા હવે એપ્રિલ-2021થી સ્કૂલ બંધ કરી દેવાનો વારો આવશે , સરકાર ધારે તો કંઈક ખોટું ચાલી ન શકે તે આ વાત નો પુરાવો છે.
હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલની માન્યતા રદ થવાની પ્રક્રિયા ફરી કરવા જણાવ્યું હતું. જેને લઇને સ્કૂલ સંચાલકોને એક મોકો પણ મળ્યો હતો કે, સ્કૂલના તમામ દસ્તાવેજો રજૂ કરી શકે, પરંતુ પહેલાં અમદાવાદ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામકની સુનાવણીમાં સ્કૂલ સંચાલકોને સાંભળવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલે માન્યતા વગર જે વર્ગો ચલાવ્યા તેને ધ્યાને લઇને ફરી નિયમ પ્રમાણે માન્યતા રદ અને 50 લાખનો દંડ કરાયો છે. જો સ્કૂલે ફરી માન્યતા મેળવવા માટેની ફાઇલ ગુજરાત શિક્ષણ વિભાગમાં રજૂ કરવી હશે તો પણ પહેલાં 50 લાખનો દંડ ભરવો ફરજિયાત રહેશે. ત્યારબાદ જ સ્કૂલની નવી માન્યતા માટેની પ્રક્રિયા શક્ય બની શકશે. આ સાથે એપ્રિલ- 2021થી સ્કૂલ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો છે. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરાશે નહીં.
બીજી તરફ વાલીઓના જણાવ્યા પ્રમાણે, અત્યારે સ્કૂલમાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે. બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય ન બગડે તે માટે ડીપીએસ- ઇસ્ટના બાળકોનો સમાવેશ ડીપીએસ-બોપલ બ્રાંચમાં કરવામાં આવે. સાથે જ વાલી મંડળે સ્કૂલના ટ્રસ્ટી અને આગેવાનો સામે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવા સામે પણ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ અમદાવાદ ના શિક્ષણ જગત માં આ પ્રકરણ ભારે ગાજયું છે.
