પીએમ મોદીજી ની આત્મનિર્ભર ની વાતો વચ્ચે અને પબ્લિક જ્યારે ચાઇના ની વસ્તુઓ ની હોળી કરી રહી છે ત્યારે ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલો માટે ચાઈનીઝ કંપનીના કુલ ચાર બ્લડ કાઉન્ટ-સેલ મશીન ની ખરીદી કરી જનતા ના જુસ્સા ઉપર પાણી ફેરવી દીધું છે.
અમદાવાદ સીવીલની ૧૨૦૦ બેડની હોસ્પિટલની લેબોરેટરીમાં એક મશીન આપવામાં આવ્યું છે. આવા કુલ ૪ મશીન ખરીદાયા છે, જે પૈકી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે અને સુરત સિવિલ હોસ્પિટલમાં એક મશીન ફાળવવામાં આવ્યું છે. હલકી ક્વોલિટીની દવા-સેનેટાઈઝર બાદ ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશન વધુ એક વખત વિવાદમાં આવ્યુ છે અને બ્લડ કાઉન્ટ કરવા માટે વપરાતા મેન્ડ્રે કંપનીના ચાર મશીનો ખરીદાયા છે, મે મહિનાના પહેલાં સપ્તાહમાં રાજ્ય સરકારે ચાઈનીઝ કંપનીને ઓર્ડર આપ્યો હતો અને હવે તે મશીનો હોસ્પિટલમાં પૂરા પડાયા છે. મે મહિનાના અંતમાં લોકડાઉન વચ્ચે કંપનીએ ડિલિવરી કરી હતી, ૩૩ લાખમાં આ ખરીદી કરાઈ હોવાનું સૂત્રો કહે છે. ભારતની કંપનીઓ પણ આ પ્રકારના મશીન બનાવે છે છતાં સ્વદેશી ને બદલે દુશ્મન દેશ ચીન ની પ્રોડક્ટ સરકાર ને માફક આવી ગઈ છે. ગુજરાત સરકાર ચાઈનીઝ કંપનીના મશીન વિતરણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે જનતા માં ચાઈનીઝ માલના બહિષ્કારનું એક ઝનૂન જોવા મળી રહ્યું છે ત્યારે સરકારી ખાતાના જ સાહેબો ને ચીની વસ્તુઓ વધુ માફક આવી રહી છે.
ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો ઉપર દગો કરી હુમલો કરાતા 20 ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ ભારતીયો માં રોષ જોવા મળી રહ્યો છે. અને ચાઈના ની વસ્તુઓ ની હોળી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન આત્મ નિર્ભર ની વાતો કરી રહ્યા છે જેનો સરકારી ખાતા માં જ અમલ નહિ થતા ભારે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ છે.
