હમણાં હમણાં ન્યૂઝ આવ્યા કે ગુજરાત સરકાર દેવામાં છે અને પૈસા નથી તો સવાલ એ થાય છે કે જો નાના વેપારીઓનો કર બાકી હોય તો વસૂલાત માટે આખી સીસ્ટમ ઉતરી પડે છે અને કડક કાર્યવાહી કરવા માંડે છે આજ રીતે સામાન્ય જનતા ને પણ કોરોના મહામારી માં ટ્રાફિક,માસ્ક કે હેલ્મેટ માટે કડક વસુલાત થાય છે પણ બીજી તરફ મોટા મગરમચ્છ જેવા ઉદ્યોગકારો સામે કાર્યવાહી કરવામાં સરકારી બાબુઓ ના ટાંટિયા એકીબેકી રમવા માંડે છે.
આપને જણાવી દઈએ કે તા. 31 માર્ચ-19ના 48042.23 કરોડના મૂલ્યવર્ધિત વેરા, જેમાં જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી મૂલ્યવર્ધિત વેરો, સ્ટેમ્પ ડયૂટી, નોંધણી ફી, વીજળીના વેરા, જકાત, વાહનો પરનો કર, માલસામાન ઉતારુ પરનો કર સહિત તેલ અને પ્રાકૃતિક ગેસની આવક થવા જાય છે.
વિધાનસભાના ચોમાસુ સત્રમાં આર્થિક અને મહેસૂલી વિભાગના કેગના રિપોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા બાકી રકમની વિશ્લેષણ થયું તે મુજબ ગણતરી કરો તો પણ રૂ.48042.23 કરોડ બાકી નીકળે છે, જેમાંથી રૂ.15653.07 કરોડ પાંચ વર્ષ કરતાં વધારે સમયના છે. રાજ્ય સરકાર દ્વારા જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહો પાસેથી 48042.23 કરોડમાંથી 46941.75 કરોડ મૂલ્યવર્ધિત વેરા, વેચાણવેરાની રકમ બાકી નીકળે છે. 14888.50 કરોડ પાંચ વર્ષથી વધુ સમયના બાકી નીકળે છે તેમજ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીના રૂ. 378.48 કરોડ બાકી નીકળે છે, જેમાં 225.48 કરોડ પાંચ વર્ષથી વધારા સમયના છે.
વીજળી પરના વેરા અને જકાતના 167.14 કરોડમાંથી 132.73 કરોડ‚રૂપિયા પાંચ વર્ષથી વધારે સમયના નીકળે છે. બીજી બાજુ, વાહનો પરના કર અને માલસમાન ઉતારૂ પરના કર 185.58 કરોડમાંથી જેમાંથી 37.08 કરોડ છેલ્લાં પાંચ વર્ષની બાકી રકમ છે. તેલ અને પ્રાકૃતિક ગેસના 369.28 કરોડ છેલ્લાં પાંચ વર્ષથી બાકી નીકળે છે. આમ, રૂ.1653.07 કરોડનાં પાછલાં બાકી લેણાં પાંચ વર્ષથી વધારે સમયના પડતર હતાં, જેમાંથી 227.11 કરોડ મહેસૂલી વસૂલાત પ્રમાણપત્ર મારફત આવરી લેવાના છે, જયારે 16814.25 કરોડની રકમ વેરાની ઉઘરાણી સંદર્ભે અદાલતોમાં કેસ ચાલી રહ્યાની વિગતો કેગના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે ત્યારે આ બધું કોણ કરશે અને આટલા બધા વર્ષ થી ટાઈમ જ નથી મળતો કે પછી બીજું શું કારણ હોઈ શકે તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે પ્રજા માત્ર એટલું જ પૂછે છે કે સામાન્ય જનતા અને વેપારીઓ સામે જે રીતે બહાદુરી બતાવવા માં આવે છે તે જ બહાદુરી શા માટે મોટા ઉદ્યોગકારો સામે બતાવવામાં આવતી નથી ? જો આ પૈસા આવશે તો પણ ક્યાંય થી ઉઘરાવવા નહિ પડે તેમ લોકો માં ચર્ચા ઉઠવા પામી છે.
