ગુજરાત સરકારને ૬૦ દિવસ ના લોકડાઉન ને લઈ ૨૦૨૦-૨૧માં કરવેરાની આવકમાં કુલ રૂ. ૨૬,૫૮૨ કરોડનું નુકસાન થવાનું હોય પૂર્વ કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિએ ગુજરાત સરકારને સોંપેલા વચગાળાના રિપોર્ટમાં રૂ. ૨૬,૯૯૬ કરોડના વધારાના નાણાસ્ત્રોત ઊભા કરવા માટે કેવા પગલાં ભરી શકાય તેવો રસ્તો બતાવ્યો છે,
જેમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર ૭થી ૧૦ ટકા વેરો વધારી રૂ. ૪ હજાર કરોડની આવક વધારવા સહિત ના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ જૂન, ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થું ચૂકવવાનું સ્થગિત કરી રૂ. ૩,૪૦૦ કરોડ બચાવવા, રાજ્ય સરકારની કંપની જીએસએફએસમાં રોકાણાર્થે પડેલું રૂ. ૫ હજાર કરોડનું ભંડોળ પાછું ખેંચવા તેમજ બાંધકામ શ્રમિકોના વેલ્ફેર ફંડમાં પડેલા રૂ. ૨,૮૦૦ કરોડ, જિલ્લા ખનિજ વિકાસ ફંડમાં પડેલા રૂ. ૩૧૨ કરોડ તથા ‘કેમ્પા’ ફંડમાં પડેલા રૂ.૧,૪૮૨ કરોડ મેળવવા ઉપરાંત બજેટની વિકાસલક્ષી યોજનાઓ તથા મૂડીગત કામો ચાલુ રાખી પણ સરકારમાં કરકસર કરી રૂ. ૧૦ હજાર કરોડ બચાવવા રાજ્ય સરકારને ભલામણો કરી છે.
આ નિષ્ણાત સમિતિ દ્વારા કરવેરામાં જે કુલ રૂ. ૨૬,૫૮૨ કરોડનું નુકસાન બતાવાયું છે, તેની વિગતો માં કેન્દ્રીય કરવેરામાંથી હિસ્સારૂપે જે રૂ. ૨૦,૨૩૨ કરોડથી વધીને રૂ. ૨૬,૬૪૬ કરોડ મળવાની આશા હતી, તે રૂ. ૬,૪૧૪ કરોડનો વધારો મળવાની હવે કોઈ આશા દેખાતી નથી તેમજ કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં અનુદાન-ગ્રાન્ટ જે રૂ. ૧૪,૩૧૩ કરોડ મળવાના હતા, તે હવે રૂ. ૧૩,૦૯૪ કરોડ મળશે, એટલે રૂ. ૧,૨૧૯ કરોડની ગ્રાન્ટ ઓછી મળશે. તેમ અહેવાલ માં જણાવાયુ છે. આમ હવે ડીઝલ અને પેટ્રોલ ના ભાવો વધતા તેની સીધી અસર જનતા ના બજેટ ઉપર પડી શકે છે કારણકે ડીઝલ ના ભાવો વધે તો પરિવહન ખર્ચ પણ વધે જેથી અનાજ,શાકભાજી વગેરે મોંઘું થઈ શકે છે.
