કહેવાય છે ને કે નકલને અકકલ ના હોય. આ વાત આપણા પાડોશી દેશ ચીને સાબિત કરી આપી છે. ચીનમાંથી કાચો માલ મેળવતી ભારતીય કમ્પનીઓને ચીન કેમિકલના બદલે ચોક પાઉડર પધરાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનમાંથી કાચા માલની આયાત કરતી ઘણી કંપનીઓને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક, તેઓ અસલી માલને બદલે નકલી માલ મેળવી રહ્યા છે અને વાસ્તવિક બિલ પ્રમાણે કસ્ટમ ડ્યુટી અને જીએસટી પણ ચૂકવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ઘણી ભારતીય કંપનીઓએ ચીનમાંથી કાચો માલ આયાત કર્યો હતો પરંતુ તેમાં કેમિકલની જગ્યાએ પાણી, ચોક પાવડર અને કાગળ મિશ્રિત કેમિકલ મોકલવામાં આવતું હતું.
આ મામલે બનાવટનો ભોગ બનેલી મોટાભાગની કંપનીઓ આ મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવા તૈયાર થઈ છે. તે સાથે ટેક્સમાં થોડી રાહત માટે ભારતીય અદાલતોમાં જવાની પણ વિચારણા ચાલી રહી છે. ચીનથી ચીજવસ્તુઓ આયાત કરનારી કંપનીના અધિકારીઓ કહી રહ્યા છે કે ઘણા કિસ્સાઓમાં આઇજીએસટી અને કસ્ટમ ડ્યુટીની રકમ ચીનથી નકલી અથવા ભેળસેળ કરાયેલ માલ પર વસૂલવામાં આવે છે જે તેમની વાસ્તવિક કિંમત કરતા પણ વધારે હોય છે.
એક કંપનીનું કહેવું છે કે તેણે ચીનથી ઓગળેલા લીડ ઇગ્નોટ્સ ખરીદ્યા હતા પરંતુ તેને બદલે ચોક પાવડર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કંપનીને ઇગ્નોટ્સની આયાત પર ડ્યુટી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ઘણી કંપનીઓ ટેક્સ રીફંડ માટે કાનૂની માર્ગ અપનાવી રહી છે. અનેક કંપનીઓના મામલા સામે લડતા ખૈતન & co.ના ભાગીદાર અભિષેક રસ્તોગીએ કહ્યું હતું કે, “જો વાસ્તવિક માલની આયાત પર ડ્યુટી ચૂકવવામાં આવી છે અને તમને નકલી માલ મળે છે, તો તમારે ટેક્સ રિફંડ આપવું પડશે.”આયાત કરેલા માલના મૂલ્ય પર કસ્ટમ ડ્યુટી લાગુ કરવામાં આવે છે અને જો તમને ભૂલથી અથવા અન્ય કોઈ કારણોસર ઓછા મૂલ્યનો માલ મળે તો વધારે કર ચૂકવવાનો કોઈ પ્રશ્ન નથી ઉપસ્થિત થતો.
તેવી જ રીતે, બીજી એક કંપનીએ થોડા અઠવાડિયા પહેલા ચીનથી ઓર્ગેનિક કેમિકલ મંગાવ્યું હતું. તેના બદલે કંપનીને એવું કેમિકલ મળ્યું કે જેની ઓળખ પણ થઈ શકી નહીં. આ બાબતની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ કહ્યું કે, જો આયાતની કિંમત 100 રૂપિયા હોય અને આપણને મળેલ કેમિકલની કિંમત 2 રૂપિયા હોય ત્યારે પણ ડ્યુટી ચૂકવવી પડે છે જ્યારે અમે ડિલિવરી પણ લેતા નથી.