છેલ્લા ઘણાજ સમયથી ખાદ્યતેલોમાં વધી ગયેલા ભાવો ઘટવાનું નામ લેતા નથી સામાન્ય ઘટાડો થયા બાદ ફરી ભાવો વધી જાય છે, તેલીયા રાજાઓ સરકારને દાદ આપતા નથી ત્યારે રાજકોટમાં ગત માસમાં સિંગતેલનો ભાવ રૂ. 3 હજારની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા બાદ સિંગતેલમાં વધઘટ યથાવત્ રહી હતી. ગત સપ્તાહે થોડા સમય સુધી સિંગતેલના ભાવ સ્થિર રહ્યા બાદ છેલ્લા બે દિવસથી સિંગતેલના ભાવમાં ફરી વધારો આવ્યો છે. અને તેલનો ડબ્બો રૂ. 2900 એ પહોંચી ગયો છે.
મંગળવારે કપાસિયા તેલનો ભાવ રૂ. 2340 હતો અને બુધવારે તેમાં રૂ. 15નો ઘટાડો આવ્યો હતો આ સાથે જ કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2315 નો થયો હતો. જ્યારે પામોલીન તેલના ભાવમાં રૂ. 10નો વધારો થવાને કારણે તેલનો ડબ્બો રૂ. 1575નો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાદ્યતેલના ભાવ વધતા ગરીબ અને મધ્યમવર્ગને ખાદ્યતેલ ખરીદવું દોહ્યલું બની રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા (Gujarat Assembly 2022)માં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ખાદ્યતેલોના વધેલા ભાવો અંગે (Congress In Gujarat Assembly) પ્રશ્ન પણ પૂછ્યો હતો.
છેલ્લા 2 વર્ષમાં કપાસિયા તેલના ભાવમાં 56 ટકાનો વધારો થયો છે,વિપક્ષે જણાવ્યું હતું કે, સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં ભરતી નથી અને તેલિયા રાજાઓ નાગરિકોને લૂંટી રહ્યા છે.