છેલ્લા કેટલાક દિવસો થી દેશ સહિત ગુજરાત માં પણ બળાત્કાર ની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે સગીરા પર કુતિયાણા પંથકના એક ઇસમે છ માસમાં બે વખત બળાત્કાર ગુજારતા ભોગ બનનાર ના પિતાને ખબર પડતા તેઓ એ આઘાતમાં આવી જઈ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલ માં લઇ જવાઈ હોવાની વિગતો જાણવા મળી છે.
વિગતો મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામે રહેતી સગીરા ઉપર છરીની અણીએ ધમકી આપી કુતિયાણા ના અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામના શખસે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો અને બનાવ અંગે જાણ કરીશ તો ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જે ડરના કારણે સગીરા જે તે વખતે ચુપ રહી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં સગીરાના પિતાને દુષ્કર્મ અંગેની જાણકારી મળી હતી. જેથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા અને તેઓ સતત માનસિક તણાવમાં હતા,જે બાદ તેમણે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે ઉપલેટા અને બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગત તા.30-9-2020ના રોજ તેમનું મૃત્યુ નિપજયું હતું. જે આત્મહત્યાના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી, દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ થયો હોવાનું માલૂમ પડતા મંગળવારે જામજોધપુર પોલીસ મથકમાં આરોપી અશ્વિન ભીમશીભાઈ વાઢિયા સામે આઈપીસીની કલમ- 376 (2), પોકસો મુજબ ગુનો નોંધી સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. આમ લોકડાઉન બાદ રાજ્ય માં સતત બળાત્કાર ની ઘટનાઓ વધી રહી છે તે જોતા હવે આવી ઘટનાઓ રોકવા મજબૂત કાયદો બને તેવી લોકો માં માંગ ઉઠવા પામી છે.
