રાજ્યમાં ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બનાસકાંઠાના કરમાવાદ અને મુકતેશ્વર તળાવમાં પાણી નાખવાની માગને લઈ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઝંપલાવ્યું છે અને તેઓએ આગામી તા. 21 તારીખે મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે કહ્યું કે મેવાણીને પાણી મુદ્દે બોલવાનો અધિકારજ નથી.
તેઓ પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા ત્યારે મેવાણી ક્યાં હતા?
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, કરમાવાદ અને મુકતેશ્વર તળાવ પાણીથી ભરવા માટે હું બે વાર રજૂઆત કરી ચૂક્યો છું. પરંતુ, સરકાર યોજનાની જાહેરાત કરવાના બદલે અહીંના લોકોને ઠાલા વચનો આપી રહી છે. આ મુદ્દે હું આગામી 21 તારીખે મુખ્યમંત્રીને મળવાનો છું. જો હવે કોઈ કામગીરી નહીં થાય તો ગામે ગામ ‘પાણી નહીં તો વોટ નહીં’ કેમ્પેઈન ચલાવવામાં આવશે.
જોકે, અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે, ચૂંટણી આવી એટલે મેવાણીને પાણીનો પ્રશ્ન યાદ આવ્યો, પાંચ વર્ષ ક્યાં હતા? ભાજપ અને વડાપ્રધાનને ક્યારેય કોઈ પણ સુવિઘા માટે પત્ર લખવાની જરુર પડતીજ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી મહિનાથી વડગામ તાલુકાનું કરમાવદ સરોવર ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું છે. અઢી માસમાં 125 ગામના ખેડૂતોએ કરમાવાદ સરોવરમાં કળશ પૂજન કર્યું હતું. ત્યારબાદ 20 હજાર ખેડૂતોએ પાણી માટે રેલી યોજી 125 ગામોમાં દીપપ્રાગટ્ય પણ કર્યું હતું, પરંતુ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રીને પાણી માટે પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે.
આમ,હવે આ પ્રકરણમાં મેવાણીએ સરકારને અલ્ટીમેટમ આપતા મામલો ગરમાયો છે ત્યારે ભાજપે કહ્યું કે ચૂંટણી આવી એટલે મેવાણી સક્રિય થઈ ગયા છે.