સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામમાંથી ચાર દિવસ પહેલા એલસીબીએ ઝડપી પાડેલા જુગારધામના કેસ મામલે જુગારનો અડ્ડો ચલાવનારે પોલીસ ઉપર હપ્તાની રકમ વધારવા અંગેની માંગ પુરી નહિ થતા રેડ કરી હોવાના ગંભીર આક્ષેપો કરતા પોલીસબેડામાં આ મામલે ભારે ચકચાર મચી છે.
સૌકા ગામના જુગાર કેસમાં ઝડપાયા બાદ જામીન પર મુક્ત થયેલા નવદીપસિંહ ઝાલા નામના આરોપીએ સુરેન્દ્રનગર SOGના PSI પઢિયાર અને કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પર દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે એટલુંજ નહિ 12 લાખનો હપ્તો ઓછો લાગતા 20 લાખની માગણી કરવામાં આવી હતી જે નહિ આપતા રેડ કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
નવદીપસિંહે પોલીસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું છે કે, હું દર મહિને 12 લાખ રૂપિયાનો હપ્તો આપતો હતો એ હપ્તો ઓછો પડતા ત્રણ મહિના પહેલા SOG PSI પઢિયાર અને હરદેવસિંહ મને મળવા આવ્યા હતા અને મને કહેલું કે, જો જુગાર ચાલુ રાખવો હોય તો 20 લાખ રૂપિયા થશે જે નહિ આપતા રેડ કરવામાં આવી હોવાનો પત્રકારો સમક્ષ ધડાકો કરતા સ્થાનિક વિસ્તારમાં આ મેટરે ભારે ચકચાર જગાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામની સીમમાં લીયાદના કાચા માર્ગ પર એક ખેતરમાં પતરાની ઓરડીમાં ગુદડી પાસાના જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડી 38 જુગારીઓ ઝડપી લીધા હતા અને રૂ. 24 લાખ 21 હજારની રોકડ જપ્ત કરી હતી.
આ મામલે ભારે ચકચાર મચી હતી અને આ મામલે પોલીસ ઉપર હપ્તાની રકમ વધારવાની માંગ પૂર્ણ નહિ થતા રેડ કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.