રાજ્યમાં આતંકી હુમલાની અપાયેલી ધમકી બાદ દરેક શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને પીએમ મોદીની ગુજરાત મુલાકાત પૂર્વે ડેસર નજીક નવા સિહોરા, જૂના સીહોરા, ગોરસણ, છાલીયેર,વગરે ગામે મહીસાગર નદીના પટ વિસ્તારમાં રાત્રિના સમયે 3 ડ્રોન ઉડતા નજરે પડતા સ્થાનિક ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો અને પોલીસ ખાતું દોડતું થઈ ગયું હતું.
ડેસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચારેલને શંકાસ્પદ ડ્રોન ઉડતા હોવાની માહિતી મળતા પોલીસે કરેલી તપાસમાં ખાણ ખનીજ વિભાગના દ્વારા રેતીચોરોને પકડવા માટે રાત્રિના સમયે ડ્રોન ઉડાવ્યા હોવાની વાત સામે આવી હતી.
ડેસર તાલુકાના જુના સીહોરા છાલીયેર ગોરસણ ગામોમાં છેલ્લા કેટલાય સમયથી મહીસાગર નદીના પટમાંથી અને કોતર વિસ્તારમાંથી સતત રેતીની ચોરી થઈ રહી છે. તેવી વારંવારની રજૂઆતના પગલે ખાણ ખનીજના કર્મચારીઓ દ્વારા રેતી ચોરી કરનારાઓને રંગે હાથે વાહન સાથે ઝડપવા માટે રાત્રિના સમયે નદીના પટમાં 3 જેટલા ડ્રોન ઉડાવીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હોવાની વાત સામે આવતા ગ્રામજનો અને પોલીસ તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.