અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને કચ્છમાં આજે ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડમાં ઉપરવાસના વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધ્યું છે તેમાંય જો આગાહી મુજબ વરસાદ થશે તો સ્થિતિ વિકટ બની શકે તેમ હોય નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
બીજીતરફ રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં પ.૭૬ ઇંચ વરસાદ પડ્યો છે.
હાલમાં વેલમાર્ક લો પ્રેશરની અસર હેઠળ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયામાં ૪૦થી પ૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દ્વારકામાં દરિયામાં ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં ૧૦થી ૧પ ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે આવી સ્થિતિમાં અહીં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.