આજે સવાર થીજ દરેક ઘર માં ગેસ પુરવઠો બંધ રહેવા મામલે ભારે ગેર સમજ ફેલાતા ચકચાર જાગી હતી પણ એવું કશુંજ થવાનું નથી.
દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે તેમ એક પત્રમાં ચરોતર સહકારી મંડળીના ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું. આ અંગે રાજ્યભરમાં ગેરસમજ ફેલાઈ હતી. જો કે દહેજ ખાતે ગેસ લાઈનનું મેઈન્ટનન્સ થશે પરંતુ ગેસનો પુરવઠો બંધ રહેશે નહીં.
ગેસના પુરવઠામાં કોઈ કાપ મુકાશે નહીં
આ અંગે ગુજરાત ગેસ અને અદાણી ગેસે સ્પષ્ટતા કરી કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે. આવી પરિસ્થિતિમાં અમે વૈકલ્પિક વ્યવસ્થા સાથે આગળ વધતા હોઇએ છીએ. અદાણી ગેસ જણાવે છેકે, ગુજરાતના તમામ ભાગોમાં અમારા ગ્રાહકોને ગેસનો પૂરવઠો અવિરત મળતો રહેશે.
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, મેઇન્ટેનન્સ માટે 18 કલાકનું શટડાઉન છે. પણ તે અમૂક પાઈપલાઇન પૂરતું જ મર્યાદિત હોય ઘરેલું, કોમર્શિયલ કે ઔદ્યોગિક ગેસની સપ્લાયને કોઇ અસર થશે નહીં. ગેઇલની અન્ય એક પાઈપલાઇન કાર્યરત છે. જેમાં 9 મિલિયન સ્કવેર ક્યૂબિક મીટર ગેસ ઉપલબ્ધ છે. એટલે સીએનજી અને નેચરલ ગેસની સપ્લાયમાં અવરોધ ઉભો થવાનો કોઇ અવકાશ નથી.