રાજ્યમાં ચૂંટણીઓ પૂર્વે માજી ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડનો મામલો સામે આવ્યો છે અને આ ધરપકડને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.
દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા મામલે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની ધરપકડ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.
દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફર કરવાનો વિપુલ ચૌધરી પર આરોપ છે.
વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને વિધાનસભા ચૂંટણી પર તેની અસર થવાની શક્યતા છે. વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન હતા.
દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી.
આક્ષેપ એવા પણ છે કે વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.
ચૌધરી સામે મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 409, 420, 465, 467, 468, 471, 120 (B) અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કલમ 12, 13(1) અને 13(2) મુજબ કેસ નોંધવામાં આવ્યો હતો. મોડી રાત્રે વિપુલ ચૌધરી તથા તેમના CAની તેમના ગાંધીનગર સ્થિત બંગલો ખાતેથી અટકાયત કરવામાં આવી છે