કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર દેશ માંઅમદાવાદ જિલ્લાને મોડલ રૂપ બનાવવા માટે સૂચન કરી અન્ય જિલ્લાઓ માટે પ્રેરણા લેવા દિશા નિર્દેશ કર્યા હતા, અમદાવાદ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી ની મળેલી સમીક્ષા બેઠકને વીડિયો કોન્ફરન્સ અમિત શાહે સંબોધતા તેઓ એ આ વાત કરી હતી ઉપરાંત જિલ્લા વહીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મૂકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા અનુરોધ કરી જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ કરી હતી.
આ બેઠક બાદ પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ કહ્યું હતું કે, ‘જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના જીવનને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા કટિબદ્ધ છે અને ‘દિશા’ દ્વારા અમદાવાદ જિલ્લાના વિકાસની નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ કહ્યું કે, ‘જિલ્લામાં સામાજિક સુરક્ષાની યોજનાને પ્રાથમિકતા આપવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, આ દિશા બેઠકમાં 23 વિભાગોના કામની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટ સિટી, બેટી બચાઓ, બેટી પઢાઓ, ઈ-ગામ-વિશ્વ ગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સેક્સ રેશિયોના સ્તરમાં સુધારો કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં જાતિ પ્રમાણ(Sex-Ratio)ના સ્તરમાં સુધારો કરવા માટે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ ‘સવાયુ સન્માન’ ‘કન્યા શક્તિ પૂજન ‘અને ‘આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ’ની ઉજવણી જેવા પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને મુખ્યમંત્રીએ જાહેર કરેલા આ કૃષિ રાહત પેકેજના અમલીકરણને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત આ સમીક્ષા બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી આયુષ્યમાન ભારત યોજનામાં એનરોલમેન્ટ એને ક્લેમ રિપોર્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં ચાલતા ‘સહારા’ પ્રોજેક્ટ, ‘લાઈફ લાઈન’ પ્રોજેક્ટ, ‘કદમ’ પ્રોજેક્ટ અને ‘રાહત’ જેવા વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો હતો. આ બેઠકમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નરહરિભાઈ, અમદાવાદ શહેરના મેયર બિજલબેન પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
