(પ્રતિનિધિ) નડિયાદ, તા.૨૪
નડિયાદમાં SRP ગ્રુપ ૭ માં ફરજ બજાવતાં ૪૭ વર્ષીય વાયરલેસ PSI સંતોષ કથીરીયા ૧૪ થી ૧૫ હજાર ફુટની ઉંચાઈ પર આવેલાં આદિ કૈલાશ અને મણી મહેશ કૈલાશ શિખર સર કરી નડિયાદ પરત આવ્યાં છે. આ અગાઉ તેઓએ કૈલાશ માનસરોવર, કિન્નર કૈલાશ અને શ્રીખંડ કૈલાશ શિખર સર કર્યાં હોવાથી, તેઓએ ભગવાન શિવના પાંચેય કૈલાશ શિખર સર કરવાની સિધ્ધી પ્રાપ્ત કરી છે.
મુળ રાજસ્થાનના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી નડિયાદમાં સ્થાયી થયેલાં સંતોષ કથીરીયા હાલ નડિયાદ SRP ગ્રુપ ૭ માં વાયરલેસ PSI તરીકે ફરજ બજાવે છે. ભગવાન શિવજીમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં PSI સંતોષ કથીરીયાએ પાંચેય કૈલાશ શિખરો સર કરવાનું મનોમન નક્કી કર્યું હતું. જોકે, પોલીસની વ્યસ્ત નોકરીમાં આવી કઠિન અને લાંબી યાત્રા માટે સમય કાઢવો મુશ્કેલ હતો. તેમ છતાં PSI સંતોષ કથીરીયાએ સન ૨૦૧૨ માં કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી. જે બાદ તેઓએ સન ૨૦૧૭ માં કિન્નર કૈલાશ અને ૨૦૧૯ માં શ્રીખંડ કૈલાશના શિખરો પણ સર કરી લીધાં હતાં. બાકીના બે શિખરો સર કરવા માટે તેઓ યોગ્ય સમયની રાહમાં હતાં. દરમિયાન જુન ૨૦૨૨ માં યોગ્ય સમય સેટ થઈ જતાં તેઓ તારીખ આ બંને યાત્રા માટે ઘરેથી રવાના થયાં હતાં. રેલ્વે તેમજ સડક માર્ગની મુસાફરી નિયત સ્થળે પહોંચ્યાં બાદ શિવજીના સ્મરણ સાથે તેઓએ આદિ કૈલાશ યાત્રા શરૂ કરી હતી. અનેક અડચણો પાર કરી તેઓએ આદિ કૈલાશ શિખર સર કર્યુ હતું અને ભગવાન શિવના દર્શન કરી પરત ફર્યા હતાં. ઘરે પરત આવ્યાંના ત્રીજા જ દિવસે તેઓ તેમના પુત્ર સાથે મણી મહેશ કૈલાશ શિખરની યાત્રાએ જવા રવાના થયાં હતાં. પિતા-પુત્રની જોડી બરફવર્ષા વચ્ચે કઠિન શિખર પાર કરવા આગળ વધી રહી હતી. દરમિયાન ઓક્સિજનની કમીને કારણે શરીરમાં તકલીફ વર્તાતા સાહિલે આ યાત્રા પુરી કરી શક્યો ન હતો અને તે જે તે સ્થળે જ રોકાઈ ગયો હતો. જોકે, PSI સંતોષ કથીરીયાએ મણી મહેશ કૈલાશ શિખર પણ સફળતાપૂર્વક સર કરી શિવજીના પાંચેય કૈલાશ શિખર સર કરવાની સિધ્ધી પ્રાપ્ત કરી છે.
–૨૦ દિવસના ટુંકા ગાળામાં આદિ કૈલાશ અને મણી મહેશ કૈલાશની યાત્રા પૂર્ણ કરી
PSI સંતોષ કથીરીયા ગત તારીખ ૩ જુનના રોજ આદિ કૈલાશની યાત્રા કરવા માટે ઘરેથી નીકળ્યાં હતાં. રેલ્વે તેમજ કાર મારફતે નિયત સ્થળે પહોંચ્યાં બાદ તેઓએ પગપાળા આદિ કૈલાશની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા પૂર્ણ કરી તેઓ ૧૪ મી જુને પરત ઘરે આવ્યાં હતાં. જેના બે દિવસ બાદ તારીખ ૧૬મી જુને તેઓ પુત્ર સાહિલ સાથે મણી મહેશ કૈલાશની યાત્રા કરવા ઘરેથી નીકળ્યાં હતાં. માત્ર અઠવાડિયામાં જ આ યાત્રા પૂર્ણ કરી તેઓ તારીખ ૨૩ જુનના રોજ ઘરે પરત ફર્યાં હતાં.
–માત્ર ત્રણ દિવસના આરામ બાદ ડ્યુટી જોઈન કરશે
અડચણોથી ભરેલી આદિ કૈલાશ અને મણી મહેશ કૈલાશની યાત્રા પૂર્ણ કરી તારીખ ૨૩ જુનના રોજ પરત ફરેલાં ૪૭ વર્ષીય PSI સંતોષ કથીરીયા માત્ર ત્રણ દિવસનો આરામ કરી, આગામી તારીખ ૨૬ જુનને સોમવારના રોજથી ડ્યુટી જોઈન કરી કરશે.
–માત્ર જુજ વ્યક્તિઓ જ કૈલાશ શિખર સર કરી શકે છે
PSI સંતોષ કથીરીયાએ ગુજરાતમિત્રની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કૈલાશ શિખર સર કરવા ખૂબ જ કઠિન હોય છે. જેમ જેમ પર્વત ઉપર જઈએ તેમ-તેમ હવા પાતળી થવા લાગે છે. તેના કારણે ઓક્સિજનની કમી પણ મહેસુસ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તદુપરાંત બરફવર્ષા, ગ્લેશિયર, પર્વતોની ઢલાન સહિતના અનેક અચડણો શિખર સર કરતાં રોકે છે. જેમાં મોટાભાગના વ્યક્તિઓ હિંમત હારી જાય છે. માત્ર જુજ વ્યક્તિઓ જ આ કૈલાશ શિખર સર કરી શકે છે. ત્યારે ભગવાન શિવજીની કુપાથી જ મેં આ પાંચેય કૈલાશ શિખરને સર કર્યાં છે.
–એક કૈલાશયાત્રીની મુલાકાત બાદ આ યાત્રા કરવાનો વિચાર આવ્યો
સન ૨૦૧૦ માં વિસનગર ખાતે નિતીનભાઈ નામના એક કૈલાશ યાત્રી સાથે PSI સંતોષ કથીરીયાની મુલાકાત થઈ હતી. જેમાં નિતીનભાઈએ કૈલાશ યાત્રા બાબતે અવનવી વાતો જણાવી હતી. જેને પગલે PSI સંતોષ કથીરીયાને આ યાત્રા કરવાનો જિજ્ઞાશા જાગી હતી અને તે માટે તેઓ પોતાની જાતને તૈયાર કરવા લાગ્યાં હતાં. બે વર્ષ બાદ સન ૨૦૧૨ માં તેઓએ કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે આ સિવાય અન્ય ચાર કૈલાશ શિખર ભારતમાં જ છે અને તેની યાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારથી PSI સંતોષ કથીરીયાએ બાકીના ચાર કૈલાશ શિખર પણ સર કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું અને સમયાંતરે આ ચારેય કૈલાશ શિખર પણ સફળતાપૂર્વક સર કર્યાં છે.
–૧૦ વર્ષમાં પાંચેય કૈલાશ યાત્રા કરી જે આ મુજબ છે.
–૨૦૧૨ શ્રી કૈલાશ માનસરોવર યાત્રા
–૨૦૧૭ શ્રી કિન્નર કૈલાશ યાત્રા
–૨૦૧૯ શ્રી શ્રીખંડ કૈલાશ યાત્રા
–૨૦૨૨ શ્રી આદિ કૈલાશ અને શ્રી મણી મહેશ કૈલાશ યાત્રાનો સમાવેશ થાય છે.
–૧૨ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કરવાનું લક્ષ્ય
નડિયાદ એસ.આર.પી ગ્રુપ-૭ માં વાયરલેસ પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતાં સંતોષ કથીરીયા ભગવાન શિવજીના ભક્ત છે. તેઓએ પાંચ કૈલાશની યાત્રા પૂર્ણ કરવા ઉપરાંત ૧૧ જ્યોતિર્લીંગના દર્શન પણ કર્યાં છે. હવે, તેઓ બાકીના ૧ જ્યોતિર્લીંગના દર્શન કરી, ૧૨ જ્યોતિર્લીંગની યાત્રા પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.