મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ભરૂચ સહિત વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે.
તો બીજી તરફ મહીસાગર નદીમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના મહી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા છે.
વડોદરા જિલ્લા કલેકટરે તંત્રને મહી કાંઠાના ગામોમાં વસતા લોકોને સાવધ કર્યા છે, મહી નદીના કાંઠે વસતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 15, પાદરા તાલુકાના 10 અને વડોદરા તાલુકાના 5 મળીને કુલ 30 ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
મહીસાગર પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ મહી બજાજ સાગર બંધ અને અનાસ નદીમાંથી બંધમાં પાણીની આવક થઇ રહી છે.
પરિણામે હાલમાં આ બંધમાંથી 95480 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.
વણાકબોરી આડબંધ ખાતે સપાટી 238 ફૂટ થવાની શક્યતા
નડિયાદ ખાતેના મહી બેઝીન ફ્લડ સેલમાંથી જિલ્લા નિયંત્રણ કક્ષને મળેલી જાણકારી પ્રમાણે આજે સાંજના ચાર વાગ્યાથી કડાણા ડેમમાંથી નદીમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેના પરિણામે રાત્રિના 11 વાગ્યે વણાકબોરી આડબંધ ખાતે પાણીની સપાટી વધીને 238 ફૂટ થવાની સંભાવના છે,જે વ્હાઈટ સિગ્નલ માટેના નિર્ધારિત 236 ફૂટના લેવલથી વધુ અને બ્લુ સિગ્નલથી ઓછી છે.
તેના પગલે ફ્લડ સેલ દ્વારા નદી કાંઠાના ગામોમાં સિગ્નલ લેવલની મર્યાદા પ્રમાણે સાવચેતીના સૂચિત પગલાં લેવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને સૂચના આપવામાં આવી છે.