દેશમાં હાલ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તોફાનોનો માહોલ છે તો બીજી તરફ આ બધાથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે જેમાં કચ્છમાં એક ક્ષત્રિય હિન્દૂ યુવકે પાણીમાં ડૂબી રહેલા મુસ્લિમ યુવાન ને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધાનો બનાવ બન્યો છે.
જ્યારે કોઈ ઉપર સંકટ જણાય અને મહિલા મદદનો પોકાર કરતી હોય ત્યારે કોઈપણ ક્ષત્રિય હોય તે પોતાની પરવા કર્યા વગર જ્યારે મદદ માટે કૂદી પડે તે વર્ષોથી ચાલ્યા આવતા સિદ્ધાંત અને ક્ષત્રિયધર્મની પરંપરાને જાળવી રાખી 24 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાએ પોતાનો જીવ આપી દીધો છે,જે વાતની જાણ થતાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં પરિવારના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને દિલાસો આપી મૃતકની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.
વિગતો મુજબ ભચાઉ નજીક આવેલ નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો,અને લાચાર માં પોતાના દીકરાને બચાવી લેવા રુદન સાથે પોકાર કરી રહી હતી બરોબર આ સમયે જ ત્યાંથી પસાર થતાં જીતેન્દ્રસિંહ જાડેજા ડૂબી રહેલા યુવાન અને એક અબળાનું રુદન જોઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં કૂદકો મારી દીધો હતો. જોકે આ ઘટનામાં બંનેના કરુણ મોત થયા હતા
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો. જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો તેનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.
ધોરણ 12 સુધી ભણેલા જિતેન્દ્રસિંહની ઉંમર 24 વર્ષની હતી. તે ગાંધીધામમાં તેમના મામા ને ત્યાં નોકરી કરતો હતો. રવિવારે એને રજા હતી. એ કેનાલના રસ્તે ભચાઉ વાળ કપાવવા જતો હતો. ત્યાં રસ્તામાં તેણે જોયું કે એક વ્યક્તિ કેનાલમાં ડૂબતી હતી અને એની માતા બચાવો બચાવોની બૂમો પડતી હતી. એ જોઈને જિતેન્દ્રસિંહે બાઇક ઊભી રાખી. બાઈકમાં સાથે તેનો મિત્ર કરમશી રબારી પણ હતો. બંને એ બચાવવાનું નક્કી કર્યું. એટલે કરમશી દોરડું લેવા ગયો. દરમિયાન પેલો યુવાન બૂમો પડતો હતો. જિતેન્દ્રસિંહ તરવૈયો હતો. એટલે એને એમ થયું કે હું બચાવી લઉં પરંતુ કેનાલમાં પાણીનું પ્રેશર પણ ખૂબ હતું. જિતેન્દ્રસિંહ દોરડું આવે એ પહેલા જ પાણીમાં કૂદીને અક્રમને બચાવવા ગયો, જેમાં તેને સફળતા પણ મળી હતી. જોકે ડઘાઈ ગયેલા અકરમે જિતેન્દ્રસિંહનો હાથ પકડી લેતા બંને ડૂબી ગયા હતા. જેમાં જિતેન્દ્રસિંહનો મૃતદેહ 24 કલાક બાદ 10 કિમી આગળથી મળી આવ્યો હતો.જીતેન્દ્રસિંહની સ્મશાન યાત્રામાં આસપાસના ગામોમાથી મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટી પડ્યા હતા.