છેલ્લા ઘણાજ સમય થી ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેકટ હવે ઝડપથી આગળ વધશે કારણ કે નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત 28 ગામોના 700 ખેડૂતોને 1 ચો.મી.ના રૂપિયા 900 બજાર ભાવ લેખે વીંઘુ દિઠ (2378 ચોરસ મીટર) મુજબ રૂપિયા 91 લાખ વળતર પેટે સરકારના મહેસુલ વિભાગ દ્વારા નક્કી થતા નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી મહદઅંશે પુર્ણ થતા આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિમાયેલી જિલ્લા મુલ્યાંકન સમિતિએ મિટિંગમાં ઠરાવેલ બજાર કિંમત મંજુર કરાઇ હોવાની વિગત મળી છે.
નોંધનીય છે કે નવસારી જિલ્લામાંથી પસાર થનારા સરકારના આ ડ્રિમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નવસારી જિલ્લામાં અટકી પડ્યો હતો અને ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતી જમીનની સામે બજાર કિંમતની માંગણી કરી સરકારમાં ધા નાખી હતી. સરકાર સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવી આ પ્રોજેક્ટને નવસારી જિલ્લામાં અટકાવી દેવા ચિમકી પણ આપી હતી
જોકે, મહેસુલ વિભાગ દ્વારા નવસારી જિલ્લા બુલેટ ટ્રેન બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિમાયેલી જિલ્લા મુલ્યાંકન સમિતિએ 2 નવેમ્બર 2020ના રોજ મળેલી બેઠકમાં કરેલ ઠરાવને મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. તે બેઠકમાં એ1 ચો.મી.ના રૂપિયા 900 બજાર કિંમત મંજુર કરાઇ હતી. જેના પગલે સમગ્ર નવસારી જિલ્લાના 28 ગામોના 700 ખેડૂતોને 1 વીંઘુ (2378 ચો.મી.) દિઠ રૂપિયા 91 લાખ વળતર મળશે. સરકારમા આ નિર્ણયને લઇને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે.
