મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર મંડરાઇ રહેલું વાવાઝોડું નિસર્ગ આજે ૩ જૂનની બપોરે ઉત્તર મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દક્ષિણ ગુજરાતના દમણ વચ્ચેથી પસાર થનાર હોવાની આગાહી ને પગલે સંભવિત સ્થળો એ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના પાલઘર, પૂણે, થાણે, મુંબઇ, રાયગઢ, ધૂલે, નંદુરબાર અને નાસિકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. અલીબાગ નજીક પવનોની ઝડપ ૧૨૫ કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે. હવામાન વિભાગે મુંબઇ શહેર અને પરાં વિસ્તારો, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં ૩ અને ૪ જૂન સુધી રેડ એલર્ટની જાહેરાત કરી છે. ગોવા, મુંબઇ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવાર સાંજથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો.
મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્ર કિનારાની આસપાસના વિસ્તારોમાંથી લોકો અને પશુઓનેને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના પાલઘરમાં ૨૧ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડતાં બાવીસ ગામ ખાલી કરાવાયાં હતાં. ગુજરાતમાં તોફની પવન સાથે મોટાભાગે સુરત, વલસાડ, ભરુચ અને નવસારી મળી મુખ્ય ૪ જિલ્લામાં કાંઠા વિસ્તારમાં વરસાદ થશે. આ ૪ જિલ્લાના ૧૧ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારોના કુલ ૧૧૭ ગામો અસરગ્રસ્ત થવાની સંભાવનાને પગલે આશરે ૪૮,૯૮૨ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે વાવાઝોડા ની અસર હેઠળ ગુજરાત માં આકાશ વાદળો થી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને પવન ફૂંકાઈ રહ્યો છે.
