આપણા લોકશાહી દેશ ભારત માં જુદાજુદા પક્ષ ના નેતાઓ હંમેશા એકબીજાને ભાંડતા રહે છે પણ એક વાત સમજાતી નથી કે જ્યારે નેતાજીઓ ના પગાર કે ભથ્થા વધારા ની વાત આવે ત્યારે બધા એક થઇ જાય છે આ એક ગજબ ની એકતા જોવા મળે છે. નવાઈ ની વાત તો એ છે કે ધારાસભ્યો અને મંત્રીઓના પગાર-ભથ્થામાં માત્ર દોઢ કલાકમાં વધારો થઈ જાય છે. અગાઉ ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધ્યાના બે દિવસમાં જ રાજ્યની 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થાંમાં વધારો કરી લીધો હતો, આજના રાજકારણી ને મોંઘવારી ક્યારેય નડતી નથી કારણ કે તે પ્રજા નો પ્રતિનિધિ છે અને બધીજ સવલતો મલે છે,સારામાં સારી હોસ્પિટલમાં સારવાર પણ ……!!
વર્ષ 2018ની 19 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોનાં પગાર-ભથ્થાં 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓનાં પગાર-ભથ્થાંમાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો હતો.
આમ, પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ હતી કે પગારવધારા મામલે કોંગ્રેસ અને ભાજપ સાથે રહ્યા હતા. આ વિધેયક સામે કોંગ્રેસે હરફ ઉચ્ચાર્યા વિના જ ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહના એજન્ડામાં ધારાસભ્યોના પગારવધારાની દરખાસ્ત જ નહોતી. ખુદ ધારાસભ્યો પણ આ બિલથી વાકેફ નહોતા. સિનિયર મંત્રીઓએ પણ આ મુદ્દે કોઈની સાથે ચર્ચા કરી નહોતી, છેલ્લી ઘડીએ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ચર્ચા કરી વિધેયક ગૃહમાં રજૂ કરાયું હતું. પગારવધારા મુદ્દે કોંગ્રેસે પણ ભાજપ સાથે એકજ પંગત માં બેસી ગયું હતું.
નોંધનીય છે કે 19 સપ્ટેમ્બર 2018ના રોજ ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર-ભથ્થાંમાં વધારો થયા બાદ 21 સપ્ટેમ્બરે 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પગાર-ભથ્થાં વધારવામાં આવ્યાં હતાં. ઓગસ્ટ 2018માં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરને પગારવધારો આપવાનો નિર્ણય કર્યો હતો.
ત્યાર બાદ 21 સપ્ટેમ્બરથી આ નિર્ણય અંતર્ગત 1 એપ્રિલ 2018ની અસરથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોર્પોરેટરને માસિક 12000 માનદ વેતન, મીટિંગ ભથ્થું મહિને 500, ટેલિફોન એલાઉન્સ મહિને 1000 અને સ્ટેશનરી એલાઉન્સ 1500 કર્યા હતા. આમ, પગાર-ભથ્થાં પેટે મહિને 15000 મળે છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરોને માસિક 7000 માનદ વેતન, 500 મીટિંગ ભથ્થું, 1000 ટેલિફોન બિલના અને 1500 સ્ટેશનરી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ, મહિને પગાર-ભથ્થાં પેટે 10,000 મળે છે. આમ આ નેતાઓ કાઈ મફત માં સેવા કરતા નથી તેઓ અનેક સવલતો,પગાર,અને વીઆઈપી સેવાઓ ભોગવે છે અને જલસા કરે છે .ભલે હમણાં થોડો કાપ મુકાયો હોય પણ આ નેતાઓ ને કોઈ મંદી નડતી નથી.
