પાટણમાં ચાર્જમાં મુકેલું Pure EVનું EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટર અચાનક સળગી જતા ઇલેક્ટ્રીક વાહનની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ગુજરાતના પાટણમાં Pure EVના EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બનતા ઇલેક્ટ્રોનિક સ્કુટરની સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટર ઘરની બહાર ચાર્જ કરવા મૂક્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્યોર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે.
અગાઉ પ્યોર ઈવીના ચાર ઈ-સ્કૂટરમાં આગ લાગી હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
પ્યોર ઈવી ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ચોથી ઘટના ગયા મહિને હૈદરાબાદમાં બની હતી.
હૈદરાબાદની ઘટનામાં માલિકે જણાવ્યું કે તેના મિત્ર સાથે મુસાફરી દરમિયાન ઈ-સ્કૂટર અચાનક બંધ થઈ ગયું. બેટરીનો ડબ્બો ખોલ્યા બાદ ધુમાડો નીકળવા લાગ્યો અને અંતે તેમાં આગ લાગી ગઇ હતી, અહેવાલો અનુસાર, EV માલિકે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓ વધતા ઈલેક્ટ્રિક વાહનોના સુરક્ષા ધોરણો પર સવાલો ઉભા કરી રહી છે. સૌથી વધુ કેસ Pure EV (Pure EV) ઈ-સ્કૂટર સામે આવ્યા છે જેમાં પાંચ સ્કૂટર સળગી ગયા છે જે પૈકી ગુજરાતના પાટણ માં EV ઈલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગતા ભારે ચર્ચામાં છે.