અમદાવાદઃ સી-પ્લેનમાં મુસાફરી માણવાની ઇચ્છા રાખનાર લોકો માટે ખુશ ખબર છે. અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેનની ફ્લાઇટ ફરી શર થઇ રહી છે. એરલાઇન્સ કંપની SpiceJetએ જણાવ્યું હતું કે તે 27 ડિસેમ્બરથી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે સી-પ્લેનની ફ્લાઇટ ફરી શરૂ કરશે. આ બંને સ્થાનો વચ્ચે એરલાઇન્સની સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જો કે, એરલાઇને તેના લોકાર્પણના થોડા દિવસ પછી જ પુરતા પ્રમાણમાં મુસાફરો ન મળવાને લીધે ઉડાન સ્થગિત કરી દીધી હતી.
સ્પાઇસ જેટ (SpiceJet) તરફથી આવેલા નિવેદનમાં શુક્રવારે જણાવ્યું હતું કે, સ્પાઇસ જેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્પાઈસશટલ (SpiceShuttle) અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે તેની સી-પ્લેન સેવાઓ 27 ડિસેમ્બર 2020થી ફરી શરૂ કરશે. આ માર્ગ પર દરરોજ બે ફ્લાઇટ્સ કાર્યરત રહેશે. પ્રવાસીઓ 20 ડિસેમ્બર, 2020થી આ સેવાઓ માટે બુક કરાવી શકશે. અમદાવાદમાં જાળવણીના અભાવને કારણે 27 નવેમ્બર પછી કોઈ બુકિંગ કરાયું ન હતું.
સી-પ્લેનને 200 કિ.મી.ના અંતરે આ બંને સ્થાનો વચ્ચે મુસાફરી કરવામાં લગભગ 40 મિનિટનો સમય લાગે છે. ઉડાન યોજના અંતર્ગત આ વિમાનમાં મુસાફરી કરવા માટે એક તરફનું ભાડુ 1500 રૂપિયા રહેશે. આ વિમાનમાં 12 લોકો બેસી શકે છે. મુસાફરો www.spiceshuttle.com પર જઈને ટિકિટ બુકિંગ કરી શકાય છે.