રાજ્ય માં ભારે ચકચાર જગાવનાર વડોદરા શહેરમાં કિશોરી દુષ્કર્મ કેસના આરોપી પાખંડી સંત પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ પહેલાં તેને માઉથ ફ્રેશનર તરીકે ટેબ્લેટ આપી હતી અને ત્યાર બાદ કિશોરી બેભાન થઈ હતી તેમજ પ્રશાંતે પણ દવાનું સેવન કર્યું હતું. પોલીસ આરોપી પ્રશાંતના રિમાન્ડ મેળવ્યા બાદ તેણે કઈ દવાનું સેવન કર્યું હતું એ અંગે તેની પૂછપરછ કરશે. પ્રશાંત ઉપાધ્યાય પોતે ડોક્ટર હોવાનો દાવો કરતો હતો. ખરેખર તે ડોક્ટર છે કે પછી બીજા કોઈ પાસેથી દવા લાવતો હતો એની પોલીસ તપાસ કરશે. વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે તેની શુક્રવારે ધરપકડ કરી હતી અને આજે ગોત્રી પોલીસ તેને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે.
કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા વારસિયા બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર અવારનવાર દર્શન કરવા જતા હતા અને સત્સંગમાં પ્રશાંત ઉપાધ્યાયથી પ્રભાવિત થયા હતા ત્યાર પછી તે અને તેનો પરિવાર પણ વારસિયા મંદિરમાં જતાં હતાં. પ્રશાંતે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે, માઉથ ફ્રેશનરની ગોળી ખાઈ લે, એમ કહીને કોઈ ગોળી આપતાં તેણે ખાધી હતી અને ત્યાર બાદ તેને ઘેન ચડ્યું હતું અને ત્યાર પછી પ્રશાંતે તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બે વખત દુષ્કર્મ કર્યું હતું. ત્યાર પછી કોઈને આ વાત નહીં કરવાની તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ તેને વિડિયો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત ની સેવિકા દિશા પણ પકડાઈ ચુકી છે અને તેણે પણ અનેક ખુલાસા કર્યા છે અને પોતે પણ પ્રશાંત ના શોષણ નો ભોગ બની હોવાની જણાવી ચુકી છે અને પ્રશાંત ના અનેક રંગીન મિજાજી વીડિયો પણ બહાર આવી રહ્યા છે ત્યારે કહેવાતા સંત ની આડ માં તેની રંગીન લીલાઓ નો પર્દાફાશ થતા લોકો માં આવા ઈસમો ની હરકત થી આઘાત ની લાગણી જન્મી છે.
